નરેન્દ્ર મોદી | |
|---|---|
નરેન્દ્ર મોદી, ૨૦૨૨ (અધિકૃત છબી) | |
| ભારતના ૧૪ મા વડાપ્રધાન | |
પદ પર | |
| Assumed office ૨૬ મે ૨૦૧૪ | |
| રાષ્ટ્રપતિ | પ્રણવ મુખર્જી રામનાથ કોવિંદ દ્રૌપદી મુર્મૂ |
| પુરોગામી | મનમોહન સિંહ |
| ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી | |
| પદ પર ૭ ઓક્ટોબર ૨૦૦૧ – ૨૨ મે ૨૦૧૪ | |
| ગવર્નર | સુંદરસિંહ ભંડારી કૈલાશપતિ મિશ્રા ડૉ.બલરામ ઝાખડ નવલકિશોર શર્મા એસ.સી.જમિર ડૉ.કમલા બેનિવાલ |
| પુરોગામી | કેશુભાઈ પટેલ |
| અનુગામી | આનંદીબેન પટેલ |
| સંસદ સભ્ય વારાણસી | |
પદ પર | |
| Assumed office ૧૬ મે ૨૦૧૪ | |
| પુરોગામી | મુરલી મનોહર જોષી |
| ભાજપના જનરલ સેક્રેટરી | |
| પદ પર ૧૯ મે, ૧૯૯૮ – ઓક્ટોબર, ૨૦૦૧ | |
| અનુગામી | સુનિલ શાસ્ત્રી |
| ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી | |
| પદ પર ૨૦ નવેમ્બર, ૧૯૯૫ – ૧૯ મે, ૧૯૯૮ | |
| અંગત વિગતો | |
| જન્મ | નરેન્દ્ર દામોદરદાસ મોદી (1950-09-17)17 September 1950 વડનગર, મહેસાણા, ગુજરાત |
| રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
| જીવનસાથી | જશોદાબેન[૧] |
| નિવાસસ્થાન | ૭, લોક કલ્યાણ માર્ગ , નવી દિલ્હી |
| માતૃ શિક્ષણસંસ્થા | ગુજરાત યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી |
| સહી | |
| વેબસાઈટ | અધિકૃત વેબસાઈટ સરકારી વેબસાઈટ |
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)[૨]ભારતના૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.[૩] તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.[૪][૫][૬][૭][૮][૯][૧૦][૧૧]
તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે.
નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.[૧૨] તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.[૧૩][૧૪][૧૫]
આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.[૧૬][૧૭]
તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.
શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.[૧૮] તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.[૧૯]
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા.[૨૦] સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે.[૨૧] માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા.[૨૨] હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા.[૨૩][૨૪] મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.[૨૫]
આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.
૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી.[૨૬][૨૭] ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી.[૨૮] સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.[૨૯]
એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં કોર્ટે ચૂકાદા સામે કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.[૩૦]
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો.
મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો.[૩૨] મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.[૩૩] જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.[૩૪]
મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે.[૩૫] આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે,[૩૬][૩૭][૩૮] રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.
મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.[૩૯][૪૦] ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.[૪૧][૪૨] ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.[૪૩] પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.[૪૪] સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા.[૪૫]
નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી[૪૬] અને વડોદરા.[૪૭] તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ[૪૮] અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." [૪૯] તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.[૫૦]
મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને[૫૧], જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો.[૫૨] ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.[૫૩][૫૪][૫૫] નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.[૫૬][૫૭]
૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.[૫૮] પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા.
નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.[૫૯] તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને ૪,૭૯,૫૦૫ મતોના તફાવતથી હરાવ્યા હતા.[૬૦][૬૧] એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.[૬૨][૬૩][૬૪]
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.[૬૫] ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.[૬૬]
તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.[૬૭]
તેમણે બંધારણના અનુચ્છેદ ૩૭૦ની કલમ એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે.
વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.